વિશ્વમ્ ને ગમતી વાર્તા – ૧

રામપુર નામના નગરમાં ચંદ્રસેન નામનો રાજા રાજ કરતો હતો. રાજા શૂરવીર અને પ્રજાપાલક હતો. પણ એ જબરો ઘમંડી હતો. એને પોતાની અક્કલ-હોશિયારીનું જબરું ગુમાન હતું. એ પોતાની જાતને બુદ્ધિ-ચાતુર્યનો ખજાનો માનતો અને જેને તેને કહેતો ફરતો કે, મારી જેટલી ચતુરાઈ અને અક્કલ આખી દુનિયામાં કોઈનામાંયે નથી. રાજાના ઘમંડ અને બુદ્ધિ-પ્રદર્શનની વાત આખાયે રાજ્યમાં ફેલાઈ ગઈ.

રામપુરમાં ચાર દોસ્તો હતા. એમનાં નામ ધનજી, કાનજી, ખીમજી અને દામજી. ચારે જણા અક્કલના બહાદુર અને ચતુરાઈમાં ચડિયાતા હતા. એક દિવસ ચારે જણા ગામચોરે બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા, ત્યાં ધનજી બોલી ઊઠ્યો : ‘અલ્યા ભાઈઓ ! આપણો રાજા જેની-તેની આગળ એની અક્કલ, હોશિયારી અને ચતુરાઈની જ વાતો કર્યા કરે છે. એનું એને જબરું અભિમાન અને ઘમંડ છે. આપણે એમ કરીએ ? ચારે જણા મળીને એને એવો પાઠ ભણાવીએ કે, જિંદગી આખી યાદ કરી જાય અને એનો ઘમંડ દૂર થઈ જાય. બોલો મારી વાતને તમારો ટેકો છે ?’ એના ભેરબંધોએ એની વાત વધાવી લીધી. અને એક દિવસ નક્કી કરીને રાજાના દરબારમાં જવાનું વિચાર્યું.

સવાર થઈ. રાજાનો દરબાર હકડેઠઠ ભરાયો છે. અલક-મલકની વાતો ચાલી રહી છે. બરાબર એ જ સમયે ચારે ચતુર દોસ્તો રાજાના દરબારમાં પહોંચી ગયા અને રાજાને સલામ ભરી અદમ વાળીને ઊભા રહ્યા. ચારેય તરફ એક નજર નાખી રાજા બોલ્યો :

બોલો, તમારે શી ફરિયાદ છે ?’
ચારે ચતુરો વતીથી ધનજી બોલ્યો : ‘મહારાજ ! અમે આપના દરબારમાં ફરિયાદ કરવા નથી આવ્યા. પણ એમ સાંભળ્યું છે કે, આપ નામદાર ચતુર અને બુદ્ધિશાળી માણસોને માન આપો છો અને એમની ચતુરાઈનું પારખું લઈ યોગ્ય ઈનામ આપો છો. આપની એવી ખ્યાતિ સાંભળીને અમે ચારે દોસ્તો અમારી ચતુરાઈ બતાવવા આવ્યા છીએ.’
પોતાની પ્રશંસા સાંભળી રાજા ખુશ થતાં બોલ્યો : ‘હા, હા, તમારી વાત સાચી છે. પણ હું એમ ને એમ કોઈ માણસને ચતુર નથી ગણતો. પહેલાં એની પરીક્ષા લઉં છું. જો તમે મારી કસોટીમાં સફળ થશો તો તમને દરેકને પાંચ-પાંચ હજાર રૂપિયાનું ઈનામ આપીશ. પણ જો તમે ચતુરાઈ સાબિત કરવામાં નિષ્ફળ જશો તો મોંએ મેશ ચોપડી માથે ટકો-મૂંડો કરાવી ચૂનો ચોપડીને, અવળે ગધેડે બેસાડીને આખા નગરમાં તમારો વરઘોડો કાઢીશ…. બોલો, મારી શરત છે કબૂલ ?’

ચારે ચતુરો એકીસાથે બોલી ઊઠ્યા : ‘હા, હા, તમારી શરત અમારે કબૂલ-મંજૂર છે. અમે ચારે જણ તમને વારાફરતી એક-એક વાત કહીશું. એ વાત સત્ય ઘટના જેવી જ હશે, પણ દરેકમાં એક-એક ગપ્પું સમાયેલું હશે. તમારે વાતમાંનું ગપ્પું ખોળીને અમને કહેવાનું. જો તમે એ ઓળખી ન શકો તો તમે હાર્યા અને અમે જીત્યા.’
ઘમંડી રાજા બોલ્યો : ‘ઓહોહો ! આમાં તે તમે શી મોટી વાત કરી નાખી ? તમારી વાતનું ગપ્પું તો હું ચપટી વગાડતાં શોધી કાઢીશ. હવે તમારી વાત શરૂ કરો.’

પહેલાં ચતુર ધનજીએ પોતાની વાત રાજાને સંભળાવવા માંડી :
એક હતો રાજા. એક વાર એ પોતાના પ્રધાન પર ગુસ્સે થયો. એણે ગુસ્સામાં ને ગુસ્સામાં પ્રધાનને કેદખાનામાં પૂરી દીધો અને ફાંસીએ ચડાવવાનો હુકમ કરી દીધો. એણે જેલરને કહ્યું કે, કાલે સવારના પહોરમાં ફાંસી આપી દેવી. આ તો રાજાનો હુકમ. એનું પાલન તો કરવું જ પડે. એટલે બીજા દિવસે સવારે જેલર સિપાઈઓને લઈ પ્રધાનને જે કોટડીમાં પૂરેલો હતો ત્યાં પહોંચી ગયો. એ વખતે પ્રધાન બેઠો-બેઠો એકધ્યાનથી પથ્થર પર પોતાની તલવાર ઘસી રહ્યો છે. જાણે એને ફાંસીની બીક જ ન હોય ! આ જોઈ જેલરે નવાઈ પામીને પૂછ્યું :
‘પ્રધાનજી ! આપ આ શું કરી રહ્યા છો ? આપને અત્યારે તો ફાંસીએ ચડાવવાના છે. બધી તૈયારીઓ થઈ ગઈ છે. હવે તમે તલવાર ઘસીને શું કરશો ?’
પ્રધાન કહે : ‘તમારી વાત સાચી છે. ફાંસીનો વખત થાય એટલે ફાંસીએ ચડવું જ પડે. પણ હું ચુસ્તપણે નિયમોનું પાલન કરનાર છું. મારા નિયમનો કદી ભંગ ન થાય. મારો નિયમ એવો છે કે દરરોજ સવારના પહોરમાં હું મારી તલવાર ઘસીને તૈયાર કરું છું. હવે છેલ્લી ઘડીએ મોતની બીકથી એ નિયમનો ભંગ શા માટે કરું ?’

પ્રધાનની આવી હિંમત અને ધીરજ જોઈ જેલર તો છક થઈ ગયો….
આટલી વાત કહીને પહેલો ચતુર ધનજી અટકી ગયો અને એણે રાજાને પૂછ્યું : ‘મહારાજ ! આપને મારી વાત કેવી લાગી એ સાચેસાચું કહો.’
રાજા મોં બગાડી બોલ્યો : ‘આમ તો તારી વાત સાચી છે, પણ એમાં ક્યાંય કશુંયે ગપ્પું મને ન લાગ્યું.’
રાજાની વાત સાંભળી ધનજી મનમાં મલકાયો અને બોલ્યો : ‘રાજા સાહેબ ! મારી આ વાતમાં ગપ્પું છે જ. એ પછીથી આપને સમજાવીશ. હવે અમારા બીજા ચતુર બિરાદરની વાત સાંભળો.’

બીજા ચતુર કાનજીએ પોતાની વાત શરૂ કરી :
એક મોટું જંગલ હતું. એમાં એક તપસ્વી ઝૂંપડી બાંધીને રહેતા હતા. તપસ્વી જબરા ત્યાગી હતા. સંસારનાં તમામ સુખોનો ત્યાગ કરી તેઓ ત્યાં જપતપ કરતા હતા. કપડાં પણ પહેરતા નહિ. બસ, શરીરે એક મૃગચર્મ ઓઢતા, કંદમૂળ ખાતા અને ઝરણાનું પાણી પીતા. એક દિવસ તપસ્વી નદીકિનારે સ્નાન કરવા આવ્યા. એમના એક હાથમાં સોનામહોર હતી અને બીજા હાથમાં નદીની રેતી હતી. બન્ને હાથની મૂઠીઓ વાળીને મનોમન બોલતા : ‘હે મારા મન ! બોલ, કઈ મૂઠીમાં સોનામહોર છે અને કઈ મૂઠીમાં નદીની રેતી છે ?’ જવાબ પણ જાતે જ આપતા : ‘જમણા હાથની મૂઠીમાં સોનામહોર છે, અને ડાબા હાથની મૂઠીમાં રેતી છે.’ આમ કહીને પછી સોનામહોર અને રેતીને નદીના ઊંડા જળમાં પધરાવી દેતા. આમ વારંવાર તેઓ સોનામહોર અને રેતીની મૂઠીઓ ભરતા અને નદીમાં ફેંકતા. દૂર ઊભો-ઊભો એક માણસ તપસ્વીના આ ખેલ જોયા કરતો હતો. એને અચરજ થયું. તપસ્વીને વંદન કરીને એણે પૂછ્યું : ‘બાપજી ! તમે બેઠા બેઠા આ શું કરી રહ્યા છો ? મોંઘા ભાવની સોનામહોર પાણીમાં કેમ ફેંકી દો છો ?’
તપસ્વી હસીને બોલ્યા : ‘બચ્ચા ! અમે સાધુપુરુષ ! અમારે એવા ભેદભાવ શા ? મેં આટઆટલાં જપ-તપ કર્યાં છતાં મારા મનમાં સોના અને રેતી વચ્ચેનો ભેદભાવ હજુ ઊભો છે. એટલે હું મનની પરીક્ષા કરતો હતો. જે દિવસે મારું મન સોનાને પણ રજ માની લેશે તે દિવસે મારું તપ અને સાધના પૂરાં થયાં ગણાશે. આજે તો મન સોનાને સોનું કહે છે અને રેતીને રેતી !’

તપસ્વીની વાત સાંભળીને પેલો માણસ મનમાં એમની તપસ્યાનાં વખાણ કરવા લાગ્યો અને પોતાને રસ્તે પડ્યો. આટલી વાત કહીને બીજો ચતુર કાનજી બોલ્યો :
‘મહારાજ ! બોલો મારી વાત કેવી લાગી ?’
અહંકારી રાજા ગંભીર વદને બોલ્યો : ‘આ તો સામાન્ય વાત નથી. ઊંડા જ્ઞાનની બોધદાયક વાત છે. ભલા ભાઈ ! આમાં ગપ્પું ક્યાં આવ્યું ?’
ચતુર કાનજી બોલ્યો : ‘આપ થોડી વાર વિચાર કરી જુઓ. હવે અમારો ત્રીજો ચતુર વાર્તા કહેશે.’

ત્રીજા ચતુર ખીમજીનો વારો આવ્યો. એણે વાતની શરૂઆત કરી :
અમારા પડોશી રામભાઈ ખૂબ સજ્જન માણસ હતા. સંસારી હોવા છતાં સાધુ જેવું સાદું જીવન જીવતા. ઘરની બાજુ નાનકડી ઓરડીમાં રહેતા. ઘરના કામકાજ સાથે કશી લેવા-દેવા ન રાખતા. સવાર-સાંજ જે ખાવાનું મળે એ ચુપચાપ ખાઈ લેતા. કશી ફરિયાદ ન કરે. સુખ અને દુઃખ સમાન ગણતા અને આખો દિવસ ભગવાનનું ભજન કર્યા કરતા. એક દિવસ નાના દીકરાની વહુ રડતી રડતી એમની પાસે આવી અને બોલી :
‘બાપુજી ! મારો નાનો છોકરો મને મૂકીને ચાલ્યો ગયો.’
આ સાંભળી સમભાવી રામભાઈને કશું દુઃખ ન થયું. એ શાંતચિત્તે બોલ્યા : ‘વહુ બેટા ! જેવી આપણી લેણી-દેણી ! એનું આયખું ટૂંકું હશે એટલે એને ભગવાને બોલાવી લીધો. એનો શોક શો કરવો ? મોત કોઈને નથી છોડતું. રામ રામ કરો !’

એમ કરતાં એક દિવસ રામભાઈ ખૂબ બીમાર પડ્યા. ઘણા દિવસ પથારીવશ રહ્યા. દર્દ દિવસે દિવસે વધતું ગયું. એમનાથી ન રહેવાયું. એટલે એમણે રડતાં-રડતાં કહ્યું : ‘અરે, કોઈ જલદી વૈદને બોલાવી લાવો.’ વૈદે આવી નાડી જોઈને કહ્યું : ‘હવે દવા કામ આપે એમ નથી. થોડા સમયના મહેમાન છે. એમના મોંમાં ગંગાજળ અને તુલસીનું પાન મૂકો.’
વૈદની વાત સાચી પડી. છેલ્લો શ્વાસ લઈને રામભાઈ મૃત્યુ પામ્યા. એમની પાછળ ઘરનાં માણસો ખૂબ જ રડ્યાં પણ મરણ ક્યાં કોઈને છોડે છે ? આટલી વાત કહીને ત્રીજો ચતુર ખીમજી બોલ્યો :
‘બોલો, મહારાજ ! મારી વાત આપને કેવી લાગી ?’
રાજા મોં મચકોડી બોલ્યો : ‘આ તો એકદમ કરુણતા ભરેલી વાત છે. આમાં ગપ્પું ક્યાં આવ્યું ?’
ખીમજી કહે : ‘આ વાતમાં પણ એક અસત્ય વાત મેં ગૂંથી છે. જરા વિચાર કરો અને ચતુરાઈ લડાવો. હવે અમારો ચોથો ચતુર સાથી વાત કહેશે.’

દેવશંકર નામનો બ્રાહ્મણ. આમ તો પંડિત પણ ભલોભોળો હતો. રાત-દિવસ પોતાના ગુરુજીની સેવામાં જ રચ્યો-પચ્યો રહેતો. ગુરુ જે કહે તે માથે ચડાવતો અને એમની આજ્ઞા કદી ઉથાપતો નહિ. એક વાર દેવશંકર માંદો પડ્યો. એનો મંદવાડ લંબાયો. ગુરુ એને જોવા આવ્યા. એની વાત સાંભળી ગુરુએ ઠપકો આપતાં કહ્યું : ‘ભલામાણસ ! તેં ખાવા-પીવાની ખોટી ટેવો રાખી છે. તું ભોજનમાં ભાત ખાવાનું છોડી દે. ફક્ત રોટલા જ ખાવા.’ આમ કહીને ગુરુ તો જતા રહ્યા પણ દેવશંકર વિચારવા લાગ્યો કે રોટલા તો પચવામાં ભારે ગણાય. ચોખા હલકા છે, એટલે બીમાર માણસને વૈદ ભાત કે ખીચડી ખાવાનું કહે છે. માટે આપણને ભાત ઠીક રહેશે. દેવશંકર બીમારીમાં જ ગુજરી ગયો. એને લેવા સ્વર્ગમાંથી વિમાન આવ્યું. આ વિમાનમાંથી એક દેવદૂત ઊતર્યો અને કહેવા લાગ્યો : ‘હે આજ્ઞાંકિત શિષ્ય ! તારી અનોખી ગુરુભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તને લઈ જવા આ વિમાન મોકલ્યું છે.’ દેવદૂતની આજ્ઞા અનુસાર દેવશંકર વિમાનમાં બેઠો અને સીધો જ સ્વર્ગે સંચર્યો. આટલું કહીને ચોથા ચતુર દામજીએ પોતાની વાત પૂરી કરતાં રાજાને પૂછ્યું : ‘રાજાજી ! મારી વાત તમને કેવી લાગી ?’

રાજા માથું ધુણાવતો બોલ્યો : ‘હે ચતુર પુરુષો ! તમારી વાતોમાં તમે કાં તો મજાક ઉડાવો છો અને કાં તો બનાવટ કરો છો. તમારી ચારેની વાતો તદ્દન સાચી છે. મને તો એકેયમાં કશું ગપ લાગતું નથી.’ અને પછી દરબારીઓ તરફ જોઈને કહ્યું : ‘બોલો, તમને આમાં કશોય ગપગોળો જડ્યો ?’ સદાય રાજાનાં વખાણ અને એની હા માં હા ભણતા જીહજૂરિયા દરબારીઓ એકીઅવાજે બોલી ઊઠ્યા : ‘ના, બાપુ ! ના.’
રાજા સાથેની શરતમાં પોતાની જીત થતી જોઈ પહેલો ચતુર બોલી ઊઠ્યો : ‘અન્નદાતા ! આપની આજ્ઞા હોય તો અમે અમારા કોયડાના ઉકેલ કહી સંભળાવીએ.

મારી પહેલી વાતમાં એવું આવે છે કે, રાજાએ કેદ કરેલો પ્રધાન તલવારને ધાર કાઢતો હતો. આપે વિચાર કર્યો કે, કોઈ કેદી પાસે કદી કશું હથિયાર રાખવા દેવામાં આવે છે ખરું ? મારી વાતમાં આ ગપ્પું છુપાવ્યું હતું.’ પહેલા ચતુરની વાત સાંભળી રાજાએ કાનની બૂટ પકડી. એને શાબાશી આપી. બીજો ચતુર કાનજી બોલ્યો : ‘મહારાજ ! મારી વાતમાં તપસ્વીએ સંસારનાં તમામ સુખ છોડી દીધાં હતાં. એમની પાસે પહેરવા પૂરતાં કપડાં ન હતાં. એ જંગલમાં રહેતા અને કંદમૂળ વીણીને ખાતા હતા, છતાં એમની પાસે સોનામહોરો ક્યાંથી આવી ? આ વાતમાં આ ગપ્પું છે.’
એ વાત સાંભળીને રાજાએ એને પણ શાબાશી આપી.
હવે ત્રીજા ચતુર ખીમજીએ પોતાની વાતનો ઉકેલ સમજાવતાં કહ્યું : ‘રાજાજી ! મેં રામભાઈ નામના સજ્જનની વાત કરી. તે સમભાવી અને ત્યાગી હતા. પોતાના પુત્રનો પુત્ર ગુજરી ગયો પણ એમને જરાય અસર કે શોક ન થયો. પણ જ્યારે પોતાને પીડા થઈ એટલે રડવા અને બૂમો પાડવા લાગ્યા. આનો અર્થ એ જ કે તેઓ સાચા ત્યાગી ન હતા.’
રાજાએ ખુશ થઈને એને પણ શાબાશી આપી.

હવે ચોથો ચતુર દામજી બોલ્યો : ‘અન્નદાતા ! મારી વાતમાં સમાયેલું ગપ્પું કે અસત્ય તો આંધળાને ય દેખાય એવું છે. શિષ્ય દેવશંકરે પોતાના ગુરુજીની ભાત ન ખાવાની આજ્ઞા તો પાળી નથી. છતાં એની ગુરુભક્તિ બદલ એને સ્વર્ગમાંથી વિમાન લેવા આવે એ શક્ય જ ક્યાં છે ?’ રાજાએ તેને પણ શાબાશી આપી.

હવે તો રાજાની ચતુરાઈનો અહંકાર ઓગળી ગયો હતો. એ પોતાના રાજ્યાસન પરથી ઊભો થયો અને ચાર ચતુરને ભેટી પડતાં બોલ્યો :
‘શાબાશ ચતુરો ! તમે તો મારામાં રહેલા બુદ્ધિ અને ચતુરાઈના ઘમંડના ચૂરેચૂરા કરી દીધા. આજે મને ખાતરી થઈ ગઈ કે મારા કરતાં અનેકગણી ચતુરાઈ અને અક્કલ ધરાવતા લોકો આ ધરતી પર પડ્યા છે. એનું મને તમે આજે સાચું ભાન કરાવ્યું.’ એ પછી રાજાએ ચારે ચતુરોનું બહુમાન કરી એમને ઈનામના પાંચ-પાંચ હજાર રૂપિયા રોકડા આપ્યા. ચારે ચતુરો રૂપિયાની થેલીઓ ઉપાડી ખુશ થતા ઘર તરફ રવાના થયા…

[બાળવાર્તાના સુંદર પાંચ પુસ્તકો પૈકી ‘ચાર ચતુર’ પુસ્તકમાંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે.‘પાણીચોર શિયાળ’, ‘બતકનો માળો’, ‘સાહસવીર કુંદન’, ‘ચાર ચતુર’ અને ‘સોનાનો જવ’..]

[કુલ પાન : 80. કિંમત : 45 (પાંચ પુસ્તકના સેટના રૂ. 225). પ્રાપ્તિસ્થાન : ગૂર્જર સાહિત્ય ભવન. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. email:gurjar@yahoo.com ]

Advertisements